શૂન્યનો શણગાર
ગઝલની શરૂઆત જ એક જડ ગણાતા પથ્થર સાથેના સંવાદથી થાય છે. આપણે જેને શાંત સમજીએ છીએ, કદાચ એ એની અંદર એક ભવ્ય એકાંતને સાચવીને બેઠો છે. આપણી દોડધામ ભરેલી દુનિયામાં આપણે એ 'એકાંત' ભૂલી ગયા છીએ. જ્યારે આપણે મોટા સપનાઓ (આભ) લઈને નીકળીએ છીએ, ત્યારે સમજાય છે કે અહીંના રસ્તાઓ જ 'ભ્રાંત' એટલે કે છેતરામણા છે. જે દેખાય છે એ સત્ય નથી, અને જે સત્ય છે એ દેખાતું નથી.
આ રચનામાં મેં સમયની ક્રૂરતા પર પણ ભાર મૂક્યો છે.
ઘડિયાળના કાંટા જાણે માણસનું લોહી પીતા હોય એમ સમય સતત વહેતો જાય છે. નવાઈની વાત તો એ છે કે સૂરજ ઉગતા બરફ તો ઓગળી જાય છે, પણ માણસનું મન હજુ 'હેમંત' જેવું થીજી ગયેલું છે. વિજ્ઞાને પ્રગતિ કરી પણ માણસની સંવેદનાઓ હજુ કેમ જડ છે? એ મોટો સવાલ છે.
આપણે અરીસામાં જોઈને સંતોષ માની લઈએ છીએ, પણ અરીસો માત્ર શરીર બતાવે છે, સત્ય તો પડછાયા જેવું કાળું અને ઘેરું હોય છે. અને અંતે, જ્યારે મેં આ ગઝલ પૂરી કરી ત્યારે મને સમજાયું કે જીવનમાં જ્યારે તમે બધું જ ખોઈને 'શૂન્ય' થઈ જાવ છો, ત્યારે જ તમે સાચા અર્થમાં શણગાર સજ્યો કહેવાય. કારણ કે જ્યાં બધું પૂરું થાય છે (અંત), ત્યાંથી જ એક નવી સમજણની શરૂઆત થાય છે.
આ ગઝલ મારા માટે માત્ર શબ્દો નથી, પણ અસ્તિત્વની મથામણ છે. તમને આમાંથી કયો શેર સૌથી વધુ સ્પર્શી ગયો? કોમેન્ટમાં ચોક્કસ જણાવજો.
પથ્થરને પૂછ્યું કે તું કેમ આટલો શાંત છે?
એણે કહ્યું, "ભીતર મારે અદભૂત એક એકાંત છે."
આભને ખિસ્સામાં ભરીને નીકળ્યા’તા અમે,
ખબર નહોતી કે અહિંયા રસ્તાઓ પણ ભ્રાંત છે.
ઘડિયાળના કાંટા હવે લોહી પીવા લાગ્યા છે,
સમયની ભૂખ જોને કેવી અહીં જીવંત છે.
સૂરજ ઉગ્યો ને ઓગળી ગઈ બરફની દીવાલો,
પણ માણસના મન હજુ કેમ આટલા હેમંત છે?
અરીસો તો રોજ જૂઠું બોલીને હસી લે છે,
ખરી હકીકત તો પડછાયા પાસે અત્યંત છે.
શૂન્યનો શણગાર સજીને બેઠા છીએ 'જીગર',
આ રમતની શરૂઆત જ લાગે છે કે અંત છે.
~ jigarshayar
Comments
Post a Comment