શબ્દો જ્યારે લોહી બનીને વહે, ત્યારે જ ગઝલ જન્મે છે...
લોકો તમને માણે એ પહેલાં મેણાંઓના સલામ આવે છે,
શબ્દો જ્યારે લોહી બને, ત્યારે જ ગઝલોના દામ આવે છે.
સીંચી છે આ વેદના મેં એકાંતના અંધારે "જિગર",
બાકી મહેફિલમાં તો બસ, વહેંચાતા ખુશીના જામ આવે છે.
તમે જેને પથ્થર કહો છો, એ કલાકાર માટે મૂર્તિ છે,
ઠીકરાંઓ પણ ઘસાય, ત્યારે જ મંદિરમાં કામ આવે છે.
આ દુનિયાને બસ છેલ્લી આવૃત્તિ જોવાની આદત છે,
રચના પાછળ કેટલાય મોત, એ તો માત્ર કલાકારને યાદ આવે છે.
અને આ રિવાજ બધાજ કલાકાર નિભાવે છે "જિગર",
ચિતા પહેલાં પણ જે સળગે, એવા જ શાયરોના નામ આવે છે.
દુનિયાને લાગે છે કે સ્ટેજ પર ઉભેલો શાયર ખૂબ નસીબદાર છે. હજારોની મેદની, વાહ-વાહીના સૂર અને ચારેબાજુ તાળીઓનો ગડગડાટ. પણ એ તાળીઓના ગડગડાટ નીચે દબાયેલી એક કલાકારની ચીસ કોઈને સંભળાતી નથી. લોકો તો બસ છેલ્લી આવૃત્તિ જુએ છે, પણ એ 'આવૃત્તિ' સુધી પહોંચવા માટે કલાકાર કેટલી વાર અંદરથી મર્યો હોય છે, એનો હિસાબ તો માત્ર એની એકલતા પાસે જ હોય છે.
"લોકો તમને માણે એ પહેલાં મેણાંઓના સલામ આવે છે,
શબ્દો જ્યારે લોહી બને, ત્યારે જ ગઝલોના દામ આવે છે."
સમાજની આ એક કરુણતા છે. જ્યારે તમે કંઈક નવું કરવા નીકળો, જ્યારે તમે તમારી સંવેદનાઓને શબ્દોમાં ઢાળવાની કોશિશ કરો, ત્યારે દુનિયા તમને પહેલા માન નથી આપતી, પણ મેણાં આપે છે. "આ તો પાગલ છે", "આનાથી કઈ ન વળે", "શાયરીથી પેટ ન ભરાય" – આવા અસંખ્ય તીર જે કાળજાને આરપાર વીંધી નાખે છે. પણ સાહેબ, ગઝલ એમ જ નથી લખાતી. કાગળ પર જે કાળી શાહી દેખાય છે ને, એ હકીકતમાં શાયરની રગ રગમાં વહેતું લોહી છે. જ્યારે વેદના હદ વટાવી જાય અને આંખમાંથી આંસુ પડવાનું પણ બંધ થઈ જાય, ત્યારે એ પીડા શબ્દ બનીને કાગળ પર ઉતરે છે. અને ત્યારે જ એ ગઝલની કિંમત અંકાય છે.
"સીંચી છે આ વેદના મેં એકાંતના અંધારે 'જિગર',
બાકી મહેફિલમાં તો બસ, વહેંચાતા ખુશીના જામ આવે છે."
મારી રાતો સાક્ષી છે એ અંધારાની, જ્યાં મેં મારી વેદનાને સીંચી છે. જેમ માળી છોડને પાણી પાય, એમ મેં મારી કલાને મારા આંસુઓથી સીંચી છે. જ્યારે આખી દુનિયા ઘસઘસાટ ઊંઘતી હોય, ત્યારે હું મારા જખમો સાથે વાતો કરતો હોઉં છું. મહેફિલમાં તો લોકો 'ખુશીના જામ' પીવા આવે છે, એમને તો બસ મનોરંજન જોઈએ છે. કોઈ એ નથી પૂછતું કે "જિગર", આ પંક્તિ લખતા પહેલા તારા દિલ પર શું વીત્યું હશે? લોકો ગઝલ સાંભળીને 'વાહ-વાહ' કરે છે, પણ એ વાહ પાછળ છુપાયેલી 'આહ' કોઈ જોઈ શકતું નથી.
"તમે જેને પથ્થર કહો છો, એ કલાકાર માટે મૂર્તિ છે,
ઠીકરાંઓ પણ ઘસાય, ત્યારે જ મંદિરમાં કામ આવે છે."
દુનિયા માટે જે ઠીકરું છે, જે નકામો પથ્થર છે, એ કલાકાર માટે એક આશા છે. જીવનમાં આવતા ઠોકરો અને અપમાનોના ઠીકરાં જ્યારે ઘસાય છે, ત્યારે જ એમાંથી એક મૂર્તિ કંડારાય છે. જે પથ્થર ટાંકણાના ઘા નથી સહી શકતો, એ ક્યારેય મંદિરની મૂર્તિ નથી બની શકતો. કલાકારનું જીવન પણ એવું જ છે – સતત ઘસાવું, સતત તૂટવું અને ફરીથી પોતાને સાંધવા. આ ઘસારો જ વ્યક્તિને સામાન્ય માણસમાંથી એક 'કલાકાર' બનાવે છે.
"આ દુનિયાને બસ છેલ્લી આવૃત્તિ જોવાની આદત છે,
રચના પાછળ કેટલાય મોત, એ તો માત્ર કલાકારને યાદ આવે છે."
લોકો પુસ્તકનું છેલ્લું પાનું વાંચીને નક્કી કરી લે છે કે કલાકાર કેવો છે. પણ એ પુસ્તકના દરેક શબ્દ પાછળ શાયર કેટલી વાર અંદરથી મર્યો હશે, એ કોઈ નથી જાણતું. એક શેર લખવા માટે ક્યારેક આખી જિંદગી હોમવી પડે છે. દરેક રચના એક ગર્ભવેદના જેવી હોય છે. એ રચના જન્મે છે ત્યારે દુનિયા હસે છે, પણ કલાકાર તો એ વેદનામાં ફરી એકવાર મૃત્યુ પામ્યો હોય છે. એના સપનાઓનું મોત, એની ઈચ્છાઓનું મોત અને એની મોજ-મસ્તીનું મોત – આ બધું હોમાય ત્યારે એક અમર કૃતિ જન્મે છે.
"અને આ રિવાજ બધાજ કલાકાર નિભાવે છે 'જિગર',
ચિતા પહેલાં પણ જે સળગે, એવા જ શાયરોના નામ આવે છે."
આ કલાકાર હોવાની કિંમત છે. લોકોના મૃત્યુ પછી ચિતા સળગે છે, પણ એક શાયર તો જીવતે જીવ આખી જિંદગી સળગતો રહે છે. પોતાની જ અંદરની આગમાં શેકાઈને એ દુનિયાને અજવાળું આપે છે. ઇતિહાસ ગવાહ છે, જે શાયરોએ પોતાની જાતને પીડાના અગ્નિમાં હોમી દીધી, એમના જ નામ આજે સુવર્ણ અક્ષરે લખાયેલા છે.
ગઝલ એ માત્ર શબ્દોની ગોઠવણ નથી, એ તો એક શાયરના અસ્તિત્વનો અંશ છે. જ્યારે તમે મારી ગઝલ વાંચો, ત્યારે માત્ર શબ્દો ન વાંચતા, એની પાછળ વહેતા લોહીને અને એ એકાંતના અંધારાને મહેસૂસ કરજો. કારણ કે, કલાકાર તો મરી જાય છે, પણ એની વેદના કાયમ માટે આ કાગળો પર જીવતી રહે છે.
~ જિગર (@jigarshayar)
Comments
Post a Comment